વચનામૃત ગઢડા મધ્યનું - ૪૫
સંવત ૧૮૮૦ના પોષ વદિ ૧ પડવાને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદાખાચરના દરબારમાં ઉગમણે બાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી.
૧ પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, (૧) તમે સર્વે મુનિમંડળ તથા બ્રહ્મચારી તથા ગૃહસ્થ સત્સંગી તથા પાળા તથા અયોધ્યાવાસી એ તમે સર્વે અમારા કહેવાઓ છો તે જો હું તમને ખટકો રાખીને વર્તાવું નહિ અને તમે કાંઈક ગાફલપણે વર્તો તે અમ થકી દેખાય નહીં. માટે જે જે અમારા કહેવાણા છો તેમાં અમારે એક તલમાત્ર કસર રહેવા દેવી નથી માટે તમે પણ સૂધા સાવધાન રહેજ્યો. જો જરાય ગાફલાઈ રાખશો તો તમારો પગ ટકશે નહિ અને અમારે તો જે તમે ભગવાનના ભક્ત છો તેના હૃદયમાં કોઈ જાત્યની વાસના તથા કોઈ જાતનો અયોગ્ય સ્વભાવ તે રહેવા દેવો નથી. અને માયાના ત્રણ ગુણ, દશ ઇન્દ્રિયો, દશ પ્રાણ, ચાર અંતઃકરણ, પંચભૂત, પંચવિષય ને ચૌદ ઇન્દ્રિયોના દેવતા એમાંથી કોઈનો સંગ રહેવા દેવો નથી ને એ સર્વે માયિક ઉપાધિ થકી રહિત સત્તામાત્ર એવો જે આત્મા તે રૂપે થઈને ભગવાનની ભક્તિ કરો એવા સર્વેને કરવા છે, પણ કોઈ જાતનો માયાનો ગુણ રહેવા દેવો નથી. અને આ જન્મમાં સર્વે કસર ન ટળી તો બદરિકાશ્રમમાં જઈને તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરવી છે તથા શ્વેતદ્વીપમાં જઈને નિરન્ન મુક્ત ભેળાં તપ કરીને સમગ્ર વાસના બાળીને ભસ્મ કરી નાખવી છે, પણ ભગવાન વિના બીજા કોઈ પદાર્થમાં પ્રીતિ રહે એવું રહેવા દેવું નથી. માટે સર્વે હરિભક્ત તથા સર્વે મુનિમંડળ સાવધાન રહેજ્યો. એટલી વાર્તા કરીને શ્રીજીમહારાજ પોતાના ઉતારામાં પધાર્યા. (૧)
૨ પછી તે જ દિવસ સાયંકાળે વળી સભા કરીને વિરાજમાન થયા પછી આરતી થઈ રહી ત્યારે શ્રીજીમહારાજ બોલ્યા જે, (૨) સાત્ત્વિક કર્મે કરીને દેવલોકમાં જાય છે અને રાજસી કર્મે કરીને મધ્યલોકની પ્રાપ્તિ થાય છે અને તામસી કર્મે કરીને અધોગતિને પામે છે. (૨) તેમાં કોઈ એમ આશંકા કરે જે રાજસી કર્મે કરીને મનુષ્યલોકની પ્રાપ્તિ થાય છે ત્યારે તો સર્વ મનુષ્યને સુખ-દુઃખ સરખું જોઈએ તો એનો ઉત્તર એમ છે જે, એક રજોગુણ છે. તેના દેશકાળાદિકને યોગે કરીને અનંત પ્રકારના ભેદ થાય છે, માટે રાજસી કર્મનો એકસરખો નિરધાર રહેતો નથી; એ તો જેવા દેશ, કાળ, સંગ ને ક્રિયાનો યોગ આવે તેવું કર્મ થાય છે. (૩) તેમાં પણ ભગવાનના ભક્ત સંત અને ભગવાનના અવતાર તે કુરાજી થાય એવું કાંઈક કર્મ થઈ જાય તો આ ને આ દેહે મર્ત્યલોકમાં યમપુરીના જેવું દુઃખ ભોગવે અને ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય એવું કર્મ કરે તો આ ને આ દેહે પરમપદ પામ્યા જેવું સુખ ભોગવે. અને ભગવાન ને ભગવાનના સંતને કુરાજી કરે ને તેણે જો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કર્યું હોય તોપણ તેનો નાશ થઈ જાય ને નરકમાં પડવું પડે, અને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એવું કર્મ કર્યું હોય ને તેને જો નરકમાં જાવાનું પ્રારબ્ધ હોય તોપણ તે ભૂંડા કર્મનો નાશ થઈ જાય ને પરમપદને પામે માટે જે સમજુ હોય તેને તો ભગવાન ને ભગવાનના ભક્ત રાજી થાય તેમ જ વર્તવું અને પોતાના સંબંધી જે માણસ હોય તેને પણ એમ ઉપદેશ કરવો જે ભગવાન ને ભગવાનના સંત જે જે પ્રકારે આપણી ઉપર રાજી થાય ને કૃપા કરે તેમ જ આપણે વર્તવું અને ભગવાન ને ભગવાનના સંતને અગ્નિએ જ્યારે રાજી કર્યા હશે ત્યારે અગ્નિને એવો પ્રકાશ પ્રાપ્ત થયો છે અને સૂર્ય, ચંદ્રાદિક જે પ્રકાશમાન છે તેણે પણ ભગવાન ને ભગવાનના સંતને શુભ કર્મે કરીને રાજી કર્યા હશે ત્યારે એવા પ્રકાશને પામ્યા છે અને દેવલોક, મર્ત્યલોકને વિષે જે જે સુખિયા છે તે સર્વે ભગવાન ને ભગવાનના સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે કરીને સુખિયા છે, માટે જે પોતાના આત્માનું રૂડું થાવાને ઇચ્છે તેને તો સદ્ગ્રંથને વિષે કહ્યા જે સદ્ધર્મ તેને વિષે રહીને ભગવાન ને ભગવાનના સંત રાજી થાય એ જ ઉપાય કરવો. (૪) ઇતિ વચનામૃતમ્ ।।૪૫।। (૧૭૮)
રહસ્યાર્થ પ્રદી- આમાં કૃપાવાક્ય (૨) છે. તેમાં પહેલામાં શ્રીજીમહારાજે કહ્યું છે જે તમે સર્વે અમારા કહેવાઓ છો, માટે તમારે વિષે કાંઈ કસર રહેવા દેવી નથી અને તમે પણ અમારી આજ્ઞામાં તત્પર રહેજો ને જો ગાફલાઈ રાખશો એટલે દેહ રૂપે વર્તશો તો અમારી આજ્ઞા પાળી શકાશે નહિ, તથા અમારા સંત-હરિજનના સમુદાયમાં રહી શકાશે નહીં. અને અમારે તો આત્મારૂપ થઈને અમારી ભક્તિ કરો એવા સર્વેને કરવા છે ને જો તેમાં કસર રહેશે તો બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં જવું પડશે માટે સાવધાન એટલે આત્મસત્તા રૂપે રહેજ્યો. (૧) બીજામાં રાજસ્, તામસ્ ને સાત્ત્વિક કર્મે કરીને સ્વર્ગ, મર્ત્ય ને પાતાળને પામે છે. (૨) અને દેશકાળાદિકને યોગે કરીને રાજસ્ કર્મના અનંત પ્રકારના ભેદ થાય છે. (૩) અને અમે તથા અમારા સંત કુરાજી થાઈએ એવું કર્મ કરે તો સ્વર્ગમાં ગયા જેવું કર્મ કરેલું હોય તે નાશ પામે અને મર્ત્યલોકમાં દેહે કરીને યમપુરીના જેવું દુઃખ ભોગવે. અને અમે તથા સંત રાજી થાઈએ એવું કર્મ કરે તો આ દેહે પણ અમારા ધામના જેવું સુખ ભોગવે. ને નરકમાં જવાનું પ્રારબ્ધ હોય તે નાશ પામે ને અમારા અક્ષરધામને પામે. અને સૂર્ય-ચંદ્રાદિક જે જે સુખિયા છે તે અમને ને અમારા સંતને રાજી કર્યા હશે તે પ્રતાપે સુખિયા છે. (૪) બાબતો છે.
૧ પ્ર. પહેલા પ્રશ્નમાં આ ઠેકાણે વાસના ન ટળી તો બદરિકાશ્રમમાં તથા શ્વેતદ્વીપમાં જઈને વાસના ટાળવાનું કહ્યું અને (છે. ૨/૩માં) એ બે ધામ કરતાં આ સત્સંગીની સભાને અધિક કહી છે, માટે આ સભામાં વાસના ન ટળે તો ત્યાં કેમ ટળે ?
૧ ઉ. શ્રીજીમહારાજે કહ્યું છે જે તમને અમે દયા કરીને આ સત્સંગમાં અમારા તથા અમારા મુક્તના સમીપમાં રાખ્યા છે, માટે જો તમે ગાફલાઈએ કરીને વાસના નહિ ટાળો તો તમને બદરિકાશ્રમ તથા શ્વેતદ્વીપમાં મેલશું ને ત્યાં ઘણાક કાળ પર્યંત મહાતપ કરવું પડશે અને અમારું કે અમારા મુક્તનું દર્શન નહિ થાય એમ બીક બતાવી છે, પણ એ સ્થાનોને આ સભા કરતાં વખાણ્યાં નથી ત્યાં તો શ્રીજીમહારાજના ને મુક્તના વિયોગરૂપી દુઃખ છે. ।।૪૫।।